Saturday, 23 April 2016

94. આત્માનું સ્વરૂપ

         જે મનુષ્યને આ લોકમાં સુખી થવું હોય અને દેહાન્તે ભગવાનના  ધામમાં  જઈ  ભગવાનની  સેવા  કરવી  હોય તે  મનુષ્યે  આત્માનું  સ્વરૂપ  અવશ્ય  સમજવું  જોઈએ.

          કેવળ  ભગવાનના  સ્વરૂપનું  જ્ઞાન  પ્રાપ્ત  કયુ  હોય તો તેનાથી  બધાય  અર્થો  સિધ્ધ  થઈ જાય છે. પણ કેવળ આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કયુ હોય તો તેનાથી  બધાય અર્થો, અને ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન સિધ્ધ થતું નથી.

          કેવળ આત્માનું  સ્વરૂપ  યથાર્થ  સમજ્યા  પછી  ભગવાનમાં  હેત  વધારે  થઈ  શકે એમ કહી શકાય નહીં. આત્માના  સ્વરૂપને  અને ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજ્યા  વિના  ભગવાનના  ધામમાં  જવાનો  શુધ્ધ  સંકલ્પ   થાય  નહિ.  વળીઆત્માનું  સ્વરૂપ  વિપરીત  સમજવાથી  મહાભારે  અનર્થ  સર્જાય  છે.  એટલા  માટે  આત્માના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું યથાર્થ  જ્ઞાન આવશ્યક  છે.  ભગવાન  સ્વામિનારાયણે  શિક્ષાપત્રીમાં  આત્માનું  સ્વરૂપ  અને ભગવાનનું  સ્વરૂપ બહુ જ થોડા શબ્દોમાં અને વ્યવસ્થિત રીતે નિરૂપણ કયુ  છે. આપણે આજે તે આત્માનું સ્વરૂપ અને પ્રકારો જોઈશું.

          શ્રીજી  મહારાજ  કહે  છે  કે ‘‘આત્મા  હૃદયને  વિષે  રહ્યો  છે  અને  અણુ  સરખો  સૂક્ષ્મ  છેચૈતન્યરૂપ છે, જ્ઞાનવાન  છેપોતાની  જ્ઞાન  શક્તિએ કરીને નખથી  શિખા  પયૅત    પોતાના  સમગ્ર  દેહમાં  વ્યાપીને  રહેલો  છે  ને  એ  આત્મા  અછેદ્ય, અભેદ્ય, અજર  અને અમર  છે.

          હવે હૃદયવિષે થોડો ઊંડો વિચાર કરીએ. હો આત્મા હૃદયમાં જ રહેતો હોય તો હૃદયને શરીરથી બહાર કાઢી અન્યનું હૃદય તેની જગ્યાએ આરોપિત  કરવામાં આવે છે અને ઘણી વખત ઓપરેશન (બાય પાસ સર્જરી) દરમિયાન કલાકો સુધી હૃદય બહાર રખાતું હોય છે. ત્યારે કૃત્રિમ હૃદયથી શરીરનું કામકાજ સુચારુ ઢબે ચલાવાતું હોય છે.હવે આત્મા શરીરનો ત્યાગ કરીને શું બહાર હૃદયમાં જ (પંપમાં) રહે છે? કે થોડો વખત  કયાંક ચાલ્યો જાય છે? વળી જ્યારે બીજું હૃદય આરોપિત કરાય છે ત્યારે જૂનો અાત્મા કયાં અને કેવી રીતે પોતાનું સ્થાન લે છે? કે બહાર પંપમાં પડયો રહે છે?

          વાચકો! હૃદય એને કહેવામાં આવે છે જેમાં અનુકંપા, લાગણી અને ભાવુકતા હોય પણ કેવળ પંપીંગ કરે,અર્થાત્‌ કેવલ પોતાના શરીરનું જ સંચાલન કરે,અને સર્વત્ર રક્ત સંચાર કરે તેને હૃદય કહેવામાં આવતું નથી. વૈજ્ઞાનિકભાષામાં ભલે પંપને હૃદય કહેવાતું હોય પણ હૃદય એ કેવળ લાગણી અને ભાવુકતા વિનાનો  પંપ નથી. હૃદય તો સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે કે જેમાં  ગુણો અને ભાવુકતાઓ ભરેલી છે. આજે જેને હૃદય કહેવામાં આવે છે એતો ખરેખર એક શરીર માટેનો  મહત્વનો પંપ છે અને એ પંપને કાઢી નાખીને અથવા બદલાવી નાખીને પણ નવો પંપ સેટ કરી શકાય છે અને વ્યક્તિનું જીવન બચાવી શકાય છે, પણ ઓપરેશન કરી ભાવુકતા જેવુ તત્વ કાંઈ આપી શકાતું નથી!  માટે જ્યાં લાગણી, અનુકંપા અને વાત્સલ્યની ભરતી ઓટ ચઢે છે ત્યાં જ હૃદય છે. અને એ હૃદય એટલે સામાન્ય માણસ માટે અગોચર પ્રદેશ છે.અને એઅગોચર શરીર (સૂક્ષ્મ શરીર)માં આત્માનો વિશેષ સત્તાએ કરીને નિવાસ છે.

          આવા આત્માનું નિરૂપણ  શાસ્ત્રોમાં  અનેક  જગ્યાએ  સૂક્ષ્મ રીતે કરવામાં આવ્યું  છે.  પહેલા  પુષ્પમાં  જેમ  ભગવાનનાં  પાંચ  સ્વરૂપો  નિરૂપણ  કરાયાં  છે  તેમ  જીવાત્માના  પણ પાંચ ભેદો  છે, આત્મા  પાંચ  પ્રકારના  છે.

          અસંખ્ય  આત્માઓનું  વેદાદિ  અનેક શાસ્ત્રોમાં  પાંચ  પ્રકારે  વિભાજન  કરી  નિરૂપણ   કરવામાં  આવ્યું  છે. સમસ્ત આત્માઓને પાંચ વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.એ પાંચ સ્વરૂપમાં રહેલા  આત્માઓનું  નિરૂપણ હવે  આપણે  જોઈશું. (૧) નિત્ય  સ્વરૂપ (ર) મુકત  સ્વરૂપ  (૩)  બદ્ધ સ્વરૂપ  (૪) કૈવલ્ય(કેવળ) સ્વરૂપ  (પ)  મુમુક્ષુ  સ્વરૂપ. આ રીતે આત્માઓ  પાંચ સ્વરૂપમાં વિભાજીત  થયેલા  છે.  એટલેકે આત્માઓ  પાંચ  પ્રકારમાં  વિભાજિત  છે.          કઠોપનિષદ્‌માં  કહેવાયુ  છે  તેમ  જે   એક  નિત્ય  ચેતન  પરમાત્મા છે  તે  અનેક  નિત્ય  ચેતન  આત્માઓની કામનાઓ  પરિપૂર્ણ  કરે  છે. આ  શ્રુતિવાકયમાં  નિત્ય  શબ્દ   વાચ્ય  જે  પરમાત્મા  છે.  એ  પરમાત્માનું  નિરૂપણ  પ્રથમ  પુષ્પમાં  કરવામાં  આવ્યું  છે.  અને આ  પુષ્પમાં  આપણે નિત્ય અને બહુવચન શબ્દવાચ્ય  આત્માઓનું  નિરૂપણ  સમજીએ.

          આત્માના  સ્વરૂપનું  નિરૂપણ કરીએ  છીએ ત્યારે  એ પણ જાણવું જરૂરી છે કે કેટલાક આજના  વિપરિત-જ્ઞાનવાળા   લોકો  આત્માનું  સ્વરૂપ  વાસ્તવિકતાથી  ઊલટું  નિરૂપણ કરે છે. એ આધુનિક પંડિત-મન્યા અને  અલ્પશ્રુત  વ્યક્તિઓ  એમ  કહે  છે  કે  દોરીમાં જેમ  સર્પનું  જ્ઞાન  જૂઠું છે  અને  છીપમાં  જેમ  ચાંદીનું  જ્ઞાન  જૂઠું છે  તેવી  જ  રીતે  પરમાત્મામાં  અલગ  આત્માનું  જોવું  એ  પણ  જૂઠું છે. અર્થાત આત્માની અલગ  સત્તા  સ્વીકારવી એ  ખોટું  છે, એ ભ્રમ  છે અને  ભ્રાન્તિ  છે.વાસ્તવિક રીતે જોતાં સર્વ  આત્માઓ એક પરમાત્મા જ  છે.  પણ  પરમાત્મા  સિવાય  બીજા જીવ કે આત્મા નામની  સત્તા  છે જ નહી. આવું  મિથ્યા જ્ઞાન ધરાવતા, વિપરિતજ્ઞાનીઓ અને  પોતાને  બ્રહ્મ  માનનારાઓ કહે  છે.  પણ  આવું કહેનારા બ્રહ્મજ્ઞાનીઓ સરાસર  જૂઠા છે.

          જ્યારે  કોઈ  જગ્યાએ  ચાંદી  સત્ય છે એમ  જોયું  હોય  ત્યારેજ  અન્યત્ર  ભ્રાંતિ  થવી  સંભવ  છે.  સત્ય  ચાંદી  અને  સત્ય  સર્પ  જોયેલા  જ  ન  હોય  તો  ભ્રાંતિની  અન્યત્ર  સંભાવના  પણ  કયારેય  થતી  નથી.

          બસ  એ  રીતે  આત્મા  કયાંક  સત્ય  હોય ત્યારેજ  આત્મા   વિષે  પરમાત્માની  ભ્રાંતિ  થવી  સંભવ  છે  વળી  બીજી  વાત એ  છે કે કેટલાક  કુદૃષ્ટિવાળા  જ્ઞાનીઓ (અદ્વૈતીઓ) એક  બ્રહ્મને  જ  સત્ય  માને  છે. જ્યારે  એક  બ્રહ્મને  જ  સત્ય  માનવામાં  આવે  ત્યારે  ભ્રાંતિનો  પ્રશ્ન   ઊઠતો  નથી,  જૂઠા  જ્ઞાનનો  પ્રશ્ન  ઊઠતો  જ  નથી.  કારણકે  એકજ  બ્રહ્મ  છે.  તો  પછી  જોવાવાળો  બીજા કોણ ?અર્થાત  કોઈ  નહીં. દોરીમાં  સર્પ  વિષયક  જ્ઞાન  થવાની  સંભાવના  થશે  નહીં  કારણ  કે  એક જ  પરમાત્મા  સ્વીકાર્યા  છે.  એક  જ  બ્રહ્મ  અર્થાત  એકજ  પરમાત્મા  સ્વીકાર્યા  છે.  અલગ  આત્મા  સ્વીકાર્યા  વિના  ભ્રમ  થાય  નહીં. માનો  આપણે  કદાચ  ભ્રાંતિ  સ્વીકારી  લઈએ તો  પરમાત્મા નારાયણમાં ભ્રમ માનવો  પડશે.  અને  પરમાત્મા  નારાયણ  એ  ભ્રાંતિ   રહિત  છે.  ભ્રમ રહિત  છે  એ  સિધ્ધાંત  સર્વેને  માન્ય  છે. એટલે શાસ્ત્રસિદ્ધ એ સિદ્ધાન્ત થાય છે કે પરમાત્મા એક નારાયણ છે અને  એ પરમાત્માના  અંશ  સર્વે આત્માઓ છે.  અને એ અનાદિ છે એવું નિશ્ચિત થાય છે,કઠોપિનષદ્‌ની  શ્રુતિથી.

          શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં  ભગવાન  શ્રીકૃષ્ણ  પરમાત્મા  કહે  છે  કે  આ  જીવલોકમાં   મારા જ અંશભૂત  અનાદિ આત્માઓ  છે.  અને વળી  ફરી આગળ  કહે  છે  કે  આ  લોકમાં  બે  પ્રકારના  પુરૂષ  છે.  એક   ક્ષર  પુરૂષ  અને  બીજા  અક્ષર  પુરૂષ  છે.  તેમાં  બ્રહ્માથી  માંડીને  કીટ  પયૅત  સર્વે ક્ષર પુરૂષ છે. અને  કુટસ્થ  મુકત  આત્મા  અક્ષર  પુરૂષ  છે.

          હવે  આત્માનું  કાંઈક વિશેષ  નિરૂપણ  યથા  સમયે  કરવામાં  આવવશે. અત્યારે  આપણે  પાંચ  પ્રકારના  આત્માના  સ્વરૂપ  ઉપર  આવીએ. આત્મા  પાંચ  પ્રકારના છે.  ૧.  એક આત્માવર્ગ  નિત્ય  શબ્દથી  કહેવામાં  આવે  છે.  તે  નિત્ય  આત્મા  સંસારરૂપ  કલ્મષથી - પાપપુણ્યથી  રહિત  છે  અને  સદાયને  માટે  ભગવાનને અનુકૂળ રહેવામાં જ પોતાને  પરમ સુખીયો માને છે. અક્ષરધામાધિપતિ ભગવાન  સ્વામિનારાયણના  રાજસેવક  રહીને  સેવા  કરે  છે.  જેવી  રીતે  રાજાની  સેવા  કરનારા  અમાત્યોમંત્રીઓ  અને  સચિવો  રાજા  જેવી  જ  વેશભૂષા  ધારણ  કરે  છે.  રાજાની  માફક  જ  મુકુટ   અને  અનેક  પ્રકારના  અલંકારો  ધારણ  કરે  છે.  તેવીજ  રીતે   નિત્ય  સ્વરૂપ  આત્માઓ છે  તે ભગવાનની  માફક જ  વેશભૂષારાજમુકુટ  અને  અલંકારોએ  ધારણ  કરે  છે  અને  તે  નિત્યકોટિ આત્માઓ,આજ્ઞા   થતાં  જગતની  સૃષ્ટિ, જગતનો  સંહાર  કરવામાં  સમર્થ  થાય  છે. આ સામર્થ્ય  ભગવાનની  ઈચ્છાથી  તે  નિત્ય આત્માવર્ગમાં  સ્વાભાવિક  છે, અને  એ  સર્વે  નિત્ય  આત્માઓ ભગવાનના પર સ્વરૂપની, ભગવાનના વ્યુહ સ્વરૂપની અને ભગવાનના  વિગ્રહ(અવતાર)આદિ  સ્વરૂપની  આવશ્યકતાનુસારે  સેવા  કરવામાંતેમની  અનુવૃત્તિ  જાળવવામાં  તત્પર  રહે  છે.

         સામાન્ય  રીતે  વ્યાપક  અર્થમાં  દૃÂષ્ટ  કરીએ તો  આત્મા  નિત્ય  છેશાશ્વત  છે.  વળી  વિશિષ્ટાદ્વૈત  સિધ્ધાંતા-નુસાર  આત્માનું  અસ્તિત્વ  તદાકાર  કયારેય  પણ  થતું  નથી. જેમ દૂધમાં  દૂધ ભળી  જાય તેમ  આત્મા  પરમાત્મારૂપ  કયારેય  થતો  નથી.  સદાયને  માટે  આત્મા  છે  તે  ભગવાન  નારાયણના  શેષરૂપમાં  અર્થાત્‌ અંશરૂપમાં  જ  રહે  છે.  બીજી રીતે જોઈએ  તો  દરેક  આત્માને  નિત્ય  શબ્દથી  સંબોધન  કરવામાં  આવે  છે  કારણકે  સર્વે આત્માઓ શાશ્વત  છેસનાતન  છે  અને  અખંડિત  છે  એટલા  માટે  આત્માઓ ને  નિત્ય  શબ્દથી  કહેવાય  છે  પણ  અહીંયા  જે  આત્માઓને  નિત્ય  શબ્દથી  વિભાજીત  કર્યા  છે  એ  આત્માઓને  મુકત  આત્માઓ  કહી  શકાય  નહીં.  કારણકે  ભગવાનની  સેવામાં  શાશ્વત  રહેનારા  જે  આત્માઓ  છે  તે  સંસારના  બંધનમાં  કયારેય  પણ  આવ્યા નથી  અને  સંસારના  બંધનમાં  આવતા  પણ નથી  અને  સંસારના  બંધનમાં આવશે  પણ  નહીં.  એ  સર્વે  આત્માઓ  ( નિત્ય  આત્માઓ )  અક્ષરધામમાં  ભગવાનની  સેવામાં   જ  સર્વે  પ્રકારે  નિરત  થઈને  રહે  છે  અને  ભગવાનના  બધાય  સ્વરૂપોમાં  એ  નિત્ય  સ્વરૂપ  આત્માઓની  સેવા  હોય  જ  છેઅને  એ  નિત્ય  આત્માઓને ભગવાનની  અનુકૂળતા  સંપાદન  કરવી  એમાંજ  એમને  આનંદ  હોય  છે.

          અહીં જે  આત્માઓનું  નિરૂપણ  કરવામાં  આવે  છે  એ  આત્માને  નિત્ય  શબ્દથી  સંબોધવામાં  આવે  છે  એ  નિત્ય  શબ્દની  અતિવ્યાપ્તિ  બચાવવાને  માટે  આપણે  કદાચ   નિત્યસૂરિથી  સંબોધન  કરીએ  તો  વધારે  શ્લાઘનીય   કહેવાશે.  કારણકે  શાસ્ત્રોમાં  અનેક  જગ્યાએ એ   નિત્ય  આત્માઓનું  નિત્યસૂરિથી  સંબોધન  કરાયું  છે.

          સ્વામિનારાયણ   સંપ્રદાયમાં  એ  નિત્યસૂરિને  કેટલીક  જગ્યાએ  અનાદિ   મુકત  તરીકે  સંબોધવામાં  આવ્યા  છે.  શાબ્દિક  અર્થમાં  કદાચ  શરતચૂક  જણાય  છે   પણ  લક્ષ્યાર્થ નિત્યસૂરિ  જ  છે.

          એ નિત્યસૂરિ ગરૂડ,વિશ્વકસેન, શેષ ઈત્યાદિને  કહેવામાં  આવે  છે. ગરૂડ એ  ભગવાનના  શાશ્વત વાહન  તરીકે  રહે  છે.  શેષ  ભગવાનની  શૈયા  રૂપે  અને  છત્રરૂપે  સેવા  કરે છે. એજ  રીતે  નારદ  અને  સુદર્શન  ઈત્યાદિ નિત્યસૂરિ  આયુધરૂપે ભગવાનની  સેવા  કરે છે. આ  રીતે  નિત્ય સ્વરૂપ  આત્માઓનું  આપણે  નિરૂપણ કયુ. અને  એ  નિત્યસૂરિ  આત્માઓ ભગવાનની સેવામાં નિરંતર નિરત  રહે  છે.આ નિત્યસૂરિની સંખ્યા અનંત છે. એમની સેવા અનેક પ્રકારની હોય છે.

          હવે  આપણે  જે  આત્મોએ  ભગવાનની  પ્રસન્નતાથી  પ્રકૃત્તિના  સંબંધથી  છૂટા થયેલા  અને  થનારા એવા અને સર્વે  પાપ  પુÛયોથી  નિવૃત થઈ મુÂક્તને પ્રાપ્ત  કરનારા આત્માઓનું  નિરૂપણ  આપણે  જોશું.  જે આત્મા ફરી  પ્રકૃતિના  બંધનમાં  આવવાના  નથી  પણ પ્રથમ  પ્રકૃતિના  બંધનમાં  હતા. જે  કેવળ  ભગવાનની  પ્રસન્નતાથી  પ્રકૃતિના  બંધનથી  છૂટા  થયા છે અર્થાત્‌ મુક્ત થયા છે,એવા આત્માઓનું નિરુપણ  જોઈએ.

          મુંડકઉપનિષદ્‌  કહે  છેંઋઙ્મઋઋ ટઋાશ્..(પેજ નં ૨૯) જેમ  વહેતી  નદીઓએ નામ  અને  રૂપ  છોડી  સમુદ્રમાં  મળી  જાય  છે.  તેવીજ  રીતે  ભગવાનના  પરમ  એકાંતિક  ભાગવત   વિદ્વાન  આત્મા, નામ  અને  પ્રાકૃત   રૂપથી  મુકત  થઈ  બ્રહ્માદિક  દેવોના સ્થાનોથી  પર  જે  દિવ્ય  સ્વામિનારાયણ  ભગવાનનું  ગોલોકધામ  તેને  પ્રાપ્ત  કરે  છે.

          જે  જીવાત્માઓ  ભગવાનની  શરણાગતિ  સ્વીકારીભગવાનની  પ્રસન્નતા  પ્રાપ્ત  કરે  છે  તે  આત્મા  પ્રકૃતિના  બંધનથી  મુક્‌ત  થઈ  જાય  છે.  તૈતરિયઉપનિષદ્‌  કહે  છે  કે  સ્વસ્વરૂપ  અને  પરસ્વરૂપને  જાણનારો  આત્મા  મોક્ષને  મેળવે  છે.  અર્થાત્‌ મુક‌ત  થાય  છે.  તે  મુક્‌ત  આત્મા  પૂર્ણ    બ્રહ્મ  સનાતન  સંગાથે  સમસ્ત  ભોગોને  ભોગવે  છે  અને  બ્રહ્મના  સાધર્મ્યપણાને  પામે છે.

          જેમ  નિત્યસૂરિ  ભગવાનની  આજ્ઞાથી  જગતનું  સર્જન  ઈત્યાદિક  કરવા  સમર્થ  છે. તેની  માફક  ભગવત્‌ પ્રસન્નતાથી  સંસારના  બંધનથી  મુકત  થયેલા  જે  આત્માઓ છે, તે  આત્માઓ  સંસારનું  સર્જન  ઈત્યાદિક  કાર્ય  કરી  શકતા  નથી.  શારીરિક  સૂત્ર  અધ્યાય  - ૪  પાદ  - ૪  સૂત્ર-૧૭  કહે  છે  કે  મુક્‌ત  થયેલા આત્માઓ  કેવળ  ભોગમાં  અને  કેટલાક  ધર્મમાં  પરમાત્માને  સમાન  છે  પણ  સવાશે પરમાત્માને   તુલ્ય  નથી.  વળી  મુક્‌ત  થયેલા  જે  આત્માઓ છે,એમને  જન્મમરણ  કયારે  પણ  હવે  પછી  રહેતું  નથી.  સર્વ  પાપોથી  નિવૃત્ત  થયેલા  તે  મુક્‌તાત્માઓ  ભગવાનની  આકૃતિભગવાનના  ગુણભગવાનનું  માધુર્ય  અને  ભગવાનનું  ઐશ્વર્ય  ઈત્યાદિકનો  સાક્ષાત્કાર  કરી  ભગવાનની  અનુભૂતિથી  પ્રગટ  થતો  જે  પ્રીતિપ્રવાહતેના  વેગમાં  વહેવાને  કારણે  હમેશાં  ભગવાનના  ગુણાનુવાદનું  અતિગાન કરે છે.  છતાં પણ  એ  પરમપદ  વૈકુંઠમાં  રહી  અતૃપ્ત  ભાવે  હજી વધારે  ગાન  કરુંહજી  વધારે  ભગવદ્‌સેવા  કરું  આવી  અદ્વિતીય  પ્રીતિમાં  રહી  સંતોષ  અને  પરમ  આનંદ પ્રાપ્ત કરે  છે  અને  આ  મુક્‌ત  થયેલા  આત્માઓને  ભગવાનમાં  એટલો  તીવ્ર  પ્રેમ છે  કે એ  હેતને  નિયંત્રણમાં  રાખવું  અશક્ય લાગે છે.  જેમ માછલીને પાણીનો વિયોગ  થોડી ક્ષણ માટે થાય તોપણ તરફડે છે, તેવી દશા તે મુક્તઆત્માઓની હોય છે.આવી મુક્‌ત  સ્વરૂપ  આત્માઓની Âસ્થતિ  છે. એ  મુક્‌ત સ્વરૂપ  આત્માઓનું  રૂપ, આકાર એ  સર્વે  બ્રહ્મના  જેવો જ છે અને તે નિત્ય ભગવત્‌ કૈંકર્ય કરવામાં  સંલગ્ન  રહે છે.

          હવે બદ્ધ આત્માના સ્વરૂપનું  નિરૂપણ જોઈએ.  કઠો-પનિષદ્‌માં કહ્યું  છે  તેમ ‘‘અવિદ્યાયામંતરે  વર્તમાનાઃ  ...||  પુત્રસંપતિપત્નીરૂપઈત્યાદિક  અવિદ્યામાં ડૂબેલા અને  પોતાને  ધીર  અને  પંડિત  માની,કામક્રોધાદિકથી  સંપૂર્ણપણે  મૂઢ  થયેલાએવા  લોકો  પંચ  વિષયને પ્રાપ્ત  કરે  છે  અને   એ  પંચ  વિષયક  ભોગને  પ્રાપ્ત  કરી, આનંદ  મેળવવા  પ્રયત્ન  કરે  છે  અને એમાંજ  આનંદ  માને છે.  જેમ  કોઈ  અંધપુરૂષ  જન્માંધને  રાહ  બતાવે, એવી  દશા  એ  બદ્ધ  આત્માઓની છે. વળી  આવા  જે  બદ્ધ  આત્માઓ  છે  તે  અજ્ઞાનમિથ્યાજ્ઞાન  અને  વિપરિતજ્ઞાનનો  આધારભૂત  દેહ, તે દેહને આત્મા  માનીશબ્દાદિ  પંચ  વિષયના  અનુભવ  દ્વારા  શરીરનું પોષણ  કરવામાં  જ  પોતાનો  પુરૂષાર્થ  માને  છે. તે બદ્ધઆત્માઓ વિષય   પ્રાÂપ્ત  માટે  વર્ણ  અને  આશ્રમના  ધર્મનો  વિનાશ  પણ કરતા હોય છે. અયોગ્યની  સેવા  કરવી, તુચ્છ  ભોગને  ખાતર  ભૂત-પ્રાણીની  હત્યા  કરવીપરદારા, પરદ્રવ્ય, ઈત્યાદિકનું  અપહરણ  કરી  એના  દ્વારા પ્રાપ્ત  થતું  પ્રાકૃત્તિક  સુખ  તેને ભોગવવું તેમાંજ તેઓ સપડાયેલા હોય  છે  અને  ભગવાન તેમજ  ભાગવત  શાસ્ત્રથી  સંપૂર્ણપણે  પરાંગમુખ  થયેલા હોય છે.  આવા  નિમ્ન   પંચવિષય  ભોગ  ભોગવવામાં  બંધાયેલા  આત્માઓ  બદ્ધ  શબ્દથી  ઓળખાય  છે.  યવન, મલેચ્છ આદિક  લોકો, શ્રુતિ  સ્મૃતિ  અને  પુરાણથી  વિપરિતગામીઓની  સેવા  કરી  પોતાનું  શ્રેય  સમજનારા  અને  જન્મ  મરણ  રૂપ  સંસારનું  ચક્ર  તેને    વધારનારાભગવાન  શ્રીમન્નારાયણથી  વિમુખ  થયેલા  એવા  જે આત્માઓ  છે  તે બદ્ધ  આત્માઓ કહેવાયેલા  છે  અને આવા  બદ્ધ  આત્માઓની  સંખ્યા  અસંખ્ય  છે.

          આ  બદ્ધ  આત્માઓ ભાગ્યેજ  ભગવદ્‌ સન્મુખ  થતા  હોય  છે  અને તેમને મોક્ષ  પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ભાગ્યેજ  થાય  છે. એ બદ્ધ  આત્મા  સર્વદાસર્વત્ર  કલેશ  ઉત્પન્ન  કરે  છે અને  કલેશ જ  ભોગવે  છે. આવા જે આત્માવર્ગ છે તે આત્મા બદ્ધાત્મા શબ્દથી કહેવાય છે.

          હવે  કૈવલ્ય (કેવળ)  શબ્દ  વાચ્ય  જે  આત્મા  છે  તે  આત્માનું  નિરૂપણ  કરીએ.   કેવળ આત્મા  સદાય  એકલો  અને  અટૂલો  રહે  છે  અને  તે  આત્મા  પોતામાંજ  ડૂબેલો  રહે  છે.  જ્યારે  ભુખતરસથી  અત્યંત  વ્યાકુળ  થાય  છે   ત્યારે  ખાવા  યોગ્ય  અને   નહિ  ખાવા  યોગ્ય  તેનો  વિવેક  કરવામાં  અસમર્થ  રહે  છે  અને  પોતાના  શરીરને  અતિ ક્ષીણ  કરી  અઠ્ઠાઈમાસક્ષમણવર્ષિતપ  અને સિદ્ધિ  તપ  જેવા  શરીરને ક્ષીણ  કરનારા  સાધનો  કરી  તેમાં પ્રસન્ન  રહેનારો  એ  કૈવલ્ય આત્મા  છે.

          વળીસંસારરૂપી  ભયંકર  દાવાગ્નિથી  દુઃખી  થતો તે  આત્મા  સંસારથી  છુટવા  માટે  શાનું  અધ્યયન  કરી  અને એવું  જ્ઞાન  પ્રાપ્ત  કરે  છે  કે  ત્રણ  ગુણાત્મક  સત્વરજ  અને  તમ  એવી  જે  પ્રકૃતિ  અને  ચેતન  આત્મા એ  અલગ  અલગ   છે. આ  ત્રણ  ગુણવાળી  જે  પ્રકૃતિ  છે  તે  જ  સર્વ  દુઃખની  આધારશિલા  છે  અને  સમસ્ત  જે  કંઈ  પદાર્થ  છે  એ  સર્વે  પ્રકૃતિનું જ કાર્ય  અને  રૂપ  છે.

          જ્યારે  આત્મા  છે  એ  ત્રણ  ગુણવાળી  પ્રકૃતિ  એનાથી   કંઈક  જુદો  છે  અને  સતત  પ્રકાશમાન  છે.  આત્મા  સુખરૂપ  છે  અને  અવિનાશી  છે. વળી  પ્રકૃતિના જે આકાર  તથા  સ્વરૂપ  તથા  ગુણો  છે તેનાથી  આત્મા અલગ  જ છે. આવું  જ્ઞાન એ  કૈવલ્ય (કેવળ) આત્માને પોતાની  કઠોર  તપની  સાધનાથી  થાય  છે. વળી  અંતરમાં  સતત  એ ત્રણ  ગુણવાળી જે પ્રકૃતિ  છે, એનું  અનુસંધાન  રહે  છે  કે આ  પ્રકૃતિથી  આત્માને  સાચું  સુખ  મળવાનું  નથી. થોડુંક  જ્ઞાન  સંપાદન કર્યુ.હોવાને  કારણે  પોતે  જે  જે  કંઈ સુખ-દુઃખ  ભોગવેલું  છે  એ  દુઃખોનું  સંસ્મરણ  અખંડ  રાખે છે અને તેથી હવે  પછી જે કંઈ તુચ્છ સુખ મળે છે  તેમાં  આસક્ત થવામાં અને તે ભોગ ભોગવવામાં ખચકાય છે.

            કૈવલ્ય  આત્માનું  એમણે  અનુસંધાન  કયુ  છે  પણ  જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ અને સત્યસ્વરૂપ જે  પરમાત્મા  તેનું  વિવેચન  કરવામાં, તેનો  અનુભવ  કરવામાં  અને  તેને  સમજવામાં બિલકુલ અસમર્થ  છે, છતાં પણ આત્મા સાક્ષાત્કાર  કરવાને  માટે  સાધનરૂપ   જે  જ્ઞાનયોગ  તેનું  સતત  અનુશિલન  કર્યું  છે.
 
          આ  અનુશિલનથી  અને  કેવળ પોતાના  જ  પ્રયત્નથી  એમને  આત્મજ્ઞાન  પ્રાપ્ત  થાય  છે  તથા  પોતાના  આત્માની  અનુભૂતિ પણ થાય છે. આ આત્માનુભૂતિને ચરમ  પુરુષાર્થ  માની  તેમાં  સંતોષ  અનુભવે  છે. આવા  કૈવલ્યાત્મા  છે  તે  સંસારના જન્મ મરણરૂપ ચક્રમાં આવતા નથી,કારણકે  સાંસારિક  સંબંધથી  મુક્ત  થયા  છે.  એમને ભલે ભગવદ્‌  પ્રાÂપ્તનો લાભ  ન મળ્યો પણ મુક્તિ મળી, એટલે  કેવળ (માત્ર)  પોતાનું  જે  આત્મસ્વરૂપ  એમાંજ  એકેવળી આત્માઓ રાચ્યા  છે.  શરીર  રહિત  કેવળ  આત્મભાવ  ને પ્રાપ્ત  કરી  કોઈક  અત્રતત્ર  ગમન  કરનારા જે જીવ તે જીવ  કૈવલ્યાત્મા  શબ્દથી  કહેવાય  છે.

          કદાચ અતિશયોÂક્ત  ન  કરીએ  તો  અઠ્ઠાઈસંથારો ઈત્યાદિકમાં  સંલગ્ન  થયેલાકેવલીક થવા પ્રયત્નશીલ, અને જીનાગમમાં  ડૂબેલા  તેમજ અઘોર તપ કરનારા કોઈ કેવલપંથી અઘોરી અને  ઈશ્વર  શરણાગતિથી  વિમુખ  થયેલા  તથાગત  જેવા   આ (કેવલી)સિધ્ધાંતને  આશર્યા છે, કારણકે જીનની   મુક્તિ વ્યવસ્થામાં અને કેવલીકપંથીની મુÂક્ત વ્યવસ્થામાં આત્માને  કૈવલ્ય  દશામાંજ  મૂકાય  છે.

          સંસારના  બંધનથી  છુટ્યા  પછી  ભાગવતી-તનુ  પ્રાપ્ત  કર્યા વગર  કેવળ  એકલા  અને  અટૂલા  અત્રતત્ર  ભ્રમણ  કરનારાઓ  આવા  અનેક  કેવળી  આત્માઓ  છે. સજ્જનો! આપણે  પણ  આવા  કેવળી  આત્માના  પંથમાં  ન  જોડાઈ  જઈએ  એ  અતિ  જરૂરી  છે.

          આત્મામુકિત  એટલેકે  કૈવલ્ય  મુÂક્ત.  જેમાં  સુખ  દુઃખનો  કાંઈ  અનુભવ  નહિકયાંય  કોઈનો  કોઈપણ  રીતનો  મેળાપ  નહીં.  એવી  મુÂક્ત  જોઈતી  હોય  તો  જુદી  વાત  છે  પણ  આવી  મુÂક્ત  ભાગવતોને  ક્યારેય  ઈષ્ટ  હોય નહીં. કૈવલ્ય નામક  આત્મા  એક  વિચિત્ર  વ્યÂક્ત  છે  અને  એ  આત્મા  મુક્ત  આત્માનો  એક  વિશેષ  ભેદ  છે, એમ  કેટલાક  વિદ્વાનોનું  માનવું  છે. ખરું  જોતાં એમ  લાગે  છે  કે  જે  અદ્વૈત  સિધ્ધાંતમાં  આજે જે જીવનમુક્ત  કહેવાય  છે, તેજ કેવલ આત્મા માનવા  યોગ્ય  લાગે  છે. કારણ કે (૧)જીવન  મુક્ત  વ્યÂક્તને  ભક્ષ્ય  અને  અભક્ષ્યનો  વિવેક હોતો  નથી.(ર) તે  પોતાના  શરીરનો  ક્ષય  થાય  તેની  રાહ  જુવે  છે.(૩) તે  સંસારના  અતિ  ભારે દુઃખોથી આકુળ વ્યાકુળ  છે. એટલે તેનાથી  મુÂક્ત  પ્રાપ્ત  કરવા  ઝંખે  છે.(૪) તે  જીવન  મુક્ત  વ્યÂક્ત  સામાન્ય  રીતે  શાસ્ત્રોનું અધ્યયન કરે  છે. તેણે પ્રકૃતિનું  અને  આત્માનું  સ્વરૂપ બરાબર  રીતે  જાણેલું  છે.  વળીઆત્મા  છે  એ સુખરૂપ  છે અને  પ્રકૃતિ છે એ  સુખરૂપ  કે  આનંદરૂપ નથી,તેમ સમજી કરી અને જ્ઞાનયોગથી  પ્રાપ્ત  થતો આત્માનંદ અને આત્માનુભવ  તેનેજ  પરમ  પુરુષાર્થ  માનેછે.(પ) સગુણ બ્રહ્મની  ઉપાસનાનો  ત્યાગ  કરી  ભગવાનની પ્રાપ્તિ  અને  ભગવદ્‌સેવાથી  વિમુખ  રહીને  પંચભૌતિક  શરીરના  વિલયની  પ્રતિક્ષા  કરતા  કરતા   અત્રતત્ર વિચરે છે અને સર્વત્ર એકલા અને અટૂલા રહેવાનું પસંદ કરે છે.

          આપણા  વિશિષ્ટાદ્વૈત  સિધ્ધાંત  અનુસાર  ગુરૂમુખી   ભગવદ્‌  શરણાગતિ  અને  ભગવદ્‌ઉપાસના  એજ  આત્માના  પરમ  પુરુષાર્થ  માટેનું  અનન્ય  સાધન  છે. અનન્ય ઉપાય  છે. આપણે  કુદૃષ્ટિવાળાઓની (અદ્વૈતીઓની)  માફક  પ્રકૃતિ  અને  આત્માનાં  વિવેકથી  મોક્ષ  છે  અર્થાત  એ  વિવેક  જ  મોક્ષનું  સાધન  છે, એમ  માનતા નથી અને એમ માનવું ઈષ્ટ પણ નથી.

          આવા  કેવળ  આત્મજ્ઞાની  જીવાત્માઓ  છે  તે  જ્ઞાન-યોગનું  ફળ  જે  આત્માનુભવ  તેને  પરમ  પુરુષાર્થ  માની  અને  ભગવદ્‌ કૈંકર્યથી વિમુખ  રહી  એકલા  અને  અટૂલા  ભટકે  છે.  આવો  જ  એક  કૈવલ્ય આત્માવર્ગ  છે  કે  જે  સંસારના  બંધનથી  મુક્ત  થયો  છે  પણ  ભગવાનના  અનુગ્રહથીભગવાનની  સેવાથી  અને  ભગવાનના  આનંદથી  વિમુખ  છેઆવો   કૈવલ્ય નામક જે  આત્માવર્ગ  છે  તેના  વિષે  શ્રીજી  મહારાજ  કારીયાણીના  પ્રથમ વચનામૃતમાં  એમ  કહે  છે  કે  તે  કેવલાર્થી  આત્મજ્ઞાની   તે  દેહને  અંતે  ભગવાનના  સાધર્મ્યપણાને  પામતો  નથી  અને  ભગવદ્‌  અનુભવ  પણ  માણી  શકતો  નથી.  તેમની  વૃત્તિઓે  ભગવાન  આકારે  થતી  પણ  નથી. આમ એ એક   આત્માનો વર્ગ  અલગ અસ્તિત્વ ધરાવે છે.

          હવે  અંતિમ  પંચમ  પ્રકારના  જે  આત્માઓ કે  જે  આત્માઓ  મુમુક્ષુ  શબ્દથી  સંબોધાય  છે.  તે  આત્મા  વર્ગનું  આપણે  લક્ષણ  જોઈએ. જે  જીવાત્મા  એવું  ઈચ્છે  છે  કે  મારો  મોક્ષ  થાય  તે  જીવાત્મા  મુમુક્ષુ  કહેવાય  છે.  તે મુમુક્ષુ ભગવાન નારાયણના દિવ્ય અનુભવ માટે સતત  ઝંખતા રહે  છે. અને  ભગવાનના  અનુભવમાં વિÎનરૂપ  આ  દેહને  દુઃખરૂપ  માની  ભાગવતી તનું  પ્રાપ્ત  કરવા  માટે  સતત  પોતાનું  જીવન  ભગવાનની  સેવામાં  વિતાવે  છે.  વળીવારંવાર  ભગવાનને પ્રાર્થના  કરે  છે  કે ‘‘ હે  પ્રભુ! આ દુઃખરૂપ  શરીરથી મને  મુક્ત  કરો  અને  ભાગવતી શરીરથી  હું તમારા ચરણની સેવા કરું એવી મારા પર  કૃપા  કરો.’’ આમ હમેશાં પ્રાર્થના કરે છે અને ભગવાનની આજ્ઞાનું અતિ દૃઢતાથી પાલન કરે છે. ભગવાનના ભક્તોની અતિ આદરથી સેવા કરે છે. ભાગવદીય સુખ ભોગવવા માટે જ સતત તલપ સેવતા હોય છે.

          મુમુક્ષુ આત્મવર્ગ પરમ પુરૂષ પરમાત્માને પામવા માટે જ સતત તલપ્યા કરે છે. પોતા માટેનું જે કર્તવ્ય  નિયત કરાયેલું છે એ કર્તવ્યને અદા કરી અને જે કાર્ય પોતાને નથી કરવાનુંતેવા કાર્યમાં  નહિ  જોડાઈ  ભગવાન અને ભાગવત(પરમ એકાંતિક ભાગવત)ના ચિંતવનમાં પોતાનો સમય વ્યતિત કરે છે.
 
          એ મહાભાગવત મુમુક્ષુ પોતાની સર્વે

         ઈન્દ્રિયો નેત્ર, કાન, મુખ ઈત્યાદિક ભગવાન શ્રી  નારાયણ અને ભાગવતની સેવામાં જ તલ્લીન કરી  દે છે. મનમાં કૈંકર્ય (કિંકરભાવ) સિવાય કશું પણ રાખતો નથી. પોતાનો દેહ પોતાની સંપત્તિ અને સંપત્તિનો ભાર તેમજ રક્ષણ સર્વસ્વ ભગવાનને અર્પણ કરી કૈંકર્યની ચાહના રાખી, મોક્ષ મેળવવાની આશા સેવી અને જીવન યાપન-પ્રસાર  કરે છે.

          ‘‘હું પૂર્વ કર્મ અનુસાર, જ્યાં સુધી ભગવાન મારૂં શરીર રાખે ત્યાં સુધી આ શરીરથી ભગવાનની અને ભાગવતની સેવા કરી શકું અને દેહાન્તે ભગવદ્‌ધામ પ્રાપ્ત કરી શકું, ભગવાનનું  સાન્નિધ્ય મેળવી શકું’’ એવી આશામાં મુમુક્ષુ મહાભાગવત છે, તે વ્યવહારમાં યોગ્યતા  પ્રમાણે  રહી જીવન  યાપન કરે છે.    આવી સ્થિતિ જે આત્મવર્ગની છે, તે મુમુક્ષુ આત્મકોટિનો આત્મા કહેવામાં આવે છે.આ રીતે પાંચ વર્ગમાં આત્માનું નિરૂપણ આપણે જોયું. ઉપર પ્રમાણે પાંચ કોટિના આત્મા છે.(૧) નિત્યકોટિ (ર) મુકત કોટિ (૩) બદ્ધ કોટિ (૪) કૈવલ્ય કોટિ અને (પ) મુમુક્ષુ કોટિ. આમાં સર્વે આત્માઓનો સમાવેશ થાય છે. જેમ સમાજમાં  ત્રણ પ્રકારના લોકો હોય છે. (૧) ગરીબ (ર) મધ્યમ અને (૩) ઉત્તમ, તેમ આત્માઓમાં પાંચ પ્રકારની કોટિ છે. આ પાંચ પ્રકારની આત્માકોટિમાં આપણો મુમુક્ષુ આત્મકોટિમાં પ્રવેશ થાય એવું આપણું કર્તવ્ય હોવું જરૂરી છે. કારણ કે મુમુક્ષુ આત્માકોટિમાં આપણે સમ્મિલિત થશું ત્યારે જ આપણે, જે સુખ ગરૂડ, વિશ્વક્‌સેન અને સનકાદિક જેવા નિત્યાત્માઓ ભોગવે છે તે ભોગવી શકીશું. માટે મહાપુરુષોનો સહવાસ રાખી, શુદ્ધ સત્વગુણી શાસ્ત્રોનું સેવન કરી આપણા જીવનને આપણે મોક્ષ માર્ગના પંથે ગતિમાન કરીએ અને એનાથી જે બ્રહ્માનંદ માણી શકાશે, એ બ્રહ્માનંદ, સજ્જનો! સંપત્તિના ઓઘમાં અને વિશાળ પરિવારની સાથે રાચરચીલાથી ભરપૂર મહેલમાં કે પૃથ્વીના સ્વર્ગમાં પણ માણી શકાશે નહિ. પરંતુ જો આપણે ભગવાનની સેવામાં અને પવિત્ર વૈદિક સંતાત્માઓની સેવામાં આપણુ જીવન થોડું પણ પસાર કરશું તો બ્રહ્માનંદની થોડીક અનુભૂતિ આ ભૌતિક દેહરૂપી જંગલમાં બનાવેલી એક નાની પર્ણકુટીમાં (હૃદયમાં) માણી શકાશે.

         લેખક: શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય- ભુજ કચ્છ

No comments:

Post a Comment